લગભગ દરેક Android ફોન USB ડ્રાઇવ સીધી વાપરી શકે છે — ન કમ્પ્યુટર જોઈએ, ન કોઈ ખાસ ઍપ. ડ્રાઇવ લગાવો, અને તે તમારા ફાઇલ મૅનેજરમાં બીજા ફોલ્ડરની જેમ દેખાય છે.
આ જે સુવિધાથી શક્ય બને છે તેનું નામ છે USB OTG. આ માર્ગદર્શિકા સમજાવે છે કે તે શું છે, શું જોઈએ, ડ્રાઇવ કેવી રીતે શોધવી અને કાઢવી, તેનાથી શું શું કરી શકાય, અને મોટા ભાગના લોકો જે કામ માટે તેને વાપરવા માગે છે તે કેવી રીતે કરવું: ફોટાનું બૅકઅપ.
USB OTG શું છે?
USB On-The-Go (OTG) એક સ્ટાન્ડર્ડ છે, જેનાથી ફોન USB કનેક્શનમાં હોસ્ટ બની શકે છે.
સામાન્ય રીતે ફોનને કમ્પ્યુટર સાથે જોડો ત્યારે કમ્પ્યુટર નિયંત્રણ સંભાળે છે અને ફોન ઉપકરણની ભૂમિકામાં રહે છે. OTG સાથે ફોન નિયંત્રણ સંભાળે છે: તે ઍક્સેસરીને પાવર આપે છે અને તેને ચલાવે છે. એટલે જ ફોન પેન ડ્રાઇવ વાંચી-લખી શકે છે — અને એટલે જ OTG બીજી ઍક્સેસરી સાથે પણ ચાલે છે, જેમ કે કાર્ડ રીડર, કીબોર્ડ, માઉસ અને ગેમ કંટ્રોલર.
તમારો ફોન તે સપોર્ટ કરે છે? છેલ્લા દાયકામાં બનેલા લગભગ બધા Android ફોન કરે છે, અને USB-C પોર્ટવાળો ફોન તો લગભગ ચોક્કસ કરે છે. થોડાં સસ્તાં મૉડલમાં તે હોતું નથી. સૌથી ઝડપી તપાસ: બસ ડ્રાઇવ લગાવી જુઓ.
શું જોઈએ
યોગ્ય પ્લગવાળી ડ્રાઇવ:
- USB-C પેન ડ્રાઇવ કે SSD — કોઈ પણ USB-C ફોનમાં સીધી લાગી જાય છે. USB-C અને USB-A બંને પ્લગવાળી ડ્યુઅલ ડ્રાઇવ ફોન અને કમ્પ્યુટર વચ્ચે ફાઇલો લાવવા-લઈ જવા માટે કામની છે.
- USB-A પ્લગવાળી ડ્રાઇવ (જૂની, લંબચોરસ પ્રકારની) — તેના માટે નાનું USB-C OTG ઍડપ્ટર જોઈએ.
- micro-USBવાળા જૂના ફોન — તેમના માટે micro-USB OTG ઍડપ્ટર જોઈએ.
ડેટા લઈ જઈ શકે તેવો કેબલ કે ઍડપ્ટર. કેટલાક USB-C કેબલ અને સસ્તા ઍડપ્ટર ફક્ત પાવર લઈ જાય છે. દેખાવમાં તે એકસરખા જ લાગે છે, અને ડ્રાઇવ ન દેખાવાનું સૌથી સામાન્ય કારણ એ જ હોય છે.
ડ્રાઇવ માટે પૂરતો પાવર. પેન ડ્રાઇવ અને નાના SSD ચાલી જાય છે. પોર્ટેબલ હાર્ડ ડ્રાઇવને ઘણી વાર ફોન આપે તેનાથી વધુ પાવર જોઈએ છે — અલગ પાવરવાળું USB હબ વાપરો.
ડ્રાઇવ કેવી રીતે જોડવી અને ખોલવી
- ડ્રાઇવ લગાવો. મોટા ભાગના ફોન ડ્રાઇવ જોડાય ત્યારે સૂચના બતાવે છે.
- ફાઇલ મૅનેજર ખોલો. Files by Googleમાં ડ્રાઇવ Browse (બ્રાઉઝ) હેઠળ દેખાય છે. Samsung My Filesમાં તે USB storage (USB સ્ટોરેજ) તરીકે દેખાય છે.
- કોઈ પણ ફોલ્ડરની જેમ તેમાં ફાઇલો જુઓ. ઘણા ફોનમાં તે સેટિંગ → સ્ટોરેજ હેઠળ પણ દેખાય છે.
કેટલાક ફોનમાં OTG ચાલુ કરવું પડે છે. ઘણા OPPO અને Realme ફોનમાં Settings → Additional settings (સેટિંગ → વધારાના સેટિંગ) હેઠળ OTG connection (OTG કનેક્શન) સેટિંગ હોય છે, અને OnePlus ફોનમાં આવું જ OTG storage (OTG સ્ટોરેજ) સેટિંગ હોય છે. આ ફોનમાં લગભગ દસ મિનિટ ઉપયોગ ન થાય તો તે આપમેળે બંધ થઈ જાય છે. ડ્રાઇવ ન દેખાય, તો Android ફોન USB ડ્રાઇવ ઓળખતો નથી? લેખ જુઓ.
Android પર USB ડ્રાઇવથી શું શું કરી શકાય?
- ફોટા, વીડિયો અને ફાઇલો કૉપિ કરો, બંને દિશામાં — ફોનથી ડ્રાઇવમાં, કે ડ્રાઇવથી ફોનમાં.
- જૂના વીડિયો જેવી મોટી ફાઇલો ડ્રાઇવમાં ખસેડીને જગ્યા ખાલી કરો.
- ડ્રાઇવમાંથી સીધા વીડિયો અને મ્યુઝિક ચલાવો.
- દસ્તાવેજો ખોલો — PDF અને બીજી ફાઇલો તમે પહેલેથી વાપરો છો તે ઍપમાં ડ્રાઇવમાંથી જ ખૂલે છે.
- કશું અપલોડ કર્યા વિના એક ફોનથી બીજા ફોનમાં કે કમ્પ્યુટરમાં ફાઇલો લઈ જાઓ.
- SD કાર્ડ રીડર વડે કૅમેરાનાં મેમરી કાર્ડ વાંચો.
મહત્ત્વની ફાઇલો હોય ત્યારે ખસેડો નહીં, કૉપિ કરો. “Move” (ખસેડો) કરતી વખતે મૂળ ફાઇલ સાથે સાથે ડિલીટ થતી જાય છે, એટલે ખસેડવાનું અધવચ્ચે અટકે તો ફાઇલ ન ફોનમાં રહે, ન ડ્રાઇવમાં. પહેલાં કૉપિ કરો, નકલ તપાસો, પછી જ મૂળ ફાઇલ ડિલીટ કરો.
ડ્રાઇવનું ફોર્મેટ કયું હોવું જોઈએ?
કૉપિ કરતાં પહેલાં ફોર્મેટનો સપોર્ટ તપાસો. હાલના ઘણા ફોન માટે exFAT વ્યવહારુ પસંદગી છે, પણ સુસંગતતા અલગ અલગ હોય છે. તમે વાપરવાના હો તે દરેક ઉપકરણ પર ડ્રાઇવ ચકાસી જુઓ. ફોર્મેટ કરતાં પહેલાં ડ્રાઇવની હાલની ફાઇલો બીજે કૉપિ કરી લો: ફોર્મેટ કરવાથી તે ભૂંસાઈ જાય છે.
- FAT32 પણ ચાલે છે, પણ તેમાં 4 GBથી મોટી એક પણ ફાઇલ રાખી શકાતી નથી, એટલે લાંબા વીડિયો કૉપિ થતા નથી.
- NTFSનો સપોર્ટ Android ઉપકરણ પ્રમાણે બદલાય છે. કેટલાંક ઉપકરણો તે વાંચી કે લખી શકતાં નથી; સુસંગતતા તપાસો.
- Mac અને Linuxનાં ફોર્મેટ સામાન્ય રીતે સપોર્ટેડ નથી.
Android સેટિંગ → સ્ટોરેજ હેઠળ ડ્રાઇવ ફોર્મેટ કરી શકે છે, પણ તે કયું ફોર્મેટ વાપરે છે તે ફોન પ્રમાણે બદલાય છે, અને કેટલાક ફોન FAT32 પસંદ કરે છે. બૅકઅપ ડ્રાઇવ માટે, તમારાં ઉપકરણો સપોર્ટ કરતાં હોય તો જ exFAT પસંદ કરો, અને ફોર્મેટ કર્યા પછી ડ્રાઇવ ચકાસી જુઓ. વિગતો ફોન બૅકઅપ માટે exFAT વિરુદ્ધ FAT32 લેખમાં છે. ફોર્મેટ કરવાથી ડ્રાઇવ ભૂંસાઈ જાય છે, એટલે મહત્ત્વનું બધું પહેલાં બીજે કૉપિ કરી લો.
ઝડપ કેટલી હોય છે?
તે ફોનના USB પોર્ટ અને ડ્રાઇવ પર આધાર રાખે છે. ઘણા ફ્લૅગશિપ ફોન USB 3ની ઝડપ સપોર્ટ કરે છે, જ્યારે ઘણા સસ્તા ફોન USB 2 સુધી જ સીમિત છે. પોર્ટેબલ SSD સાદી પેન ડ્રાઇવ કરતાં સામાન્ય રીતે ઘણો ઝડપી હોય છે — આખી ફોટો લાઇબ્રેરી કૉપિ કરતી વખતે આ ફરક તરત દેખાય છે. બીજાં કારણો ફોનથી USBમાં બૅકઅપ આટલું ધીમું કેમ? લેખમાં છે.
ડ્રાઇવ સલામત રીતે કેવી રીતે કાઢવી
- ચાલુ કૉપિ પૂરી થવા દો.
- ડ્રાઇવ eject કરો — મોટા ભાગના ફોનમાં ડ્રાઇવ જોડાઈ ત્યારે દેખાયેલી સૂચનામાં, કે સેટિંગ → સ્ટોરેજ હેઠળ Eject (બહાર કાઢો) વિકલ્પ હોય છે.
- પ્લગ કાઢી લો.
exFAT કે FAT32, બેમાંથી એક પણ ડેટા લખાતો હોય ત્યારે પ્લગ ખેંચાઈ જાય તે સહન કરવા માટે બનેલું નથી, એટલે કૉપિ દરમિયાન ખેંચી કાઢેલી ડ્રાઇવમાં ફાઇલ બગડી શકે છે — કે ક્યારેક ફોલ્ડર માળખું પણ.
ફોટાના બૅકઅપ માટે USB ડ્રાઇવનો ઉપયોગ
ડ્રાઇવ જોડવાનું સૌથી સામાન્ય કારણ ફોટા અને વીડિયોનું બૅકઅપ છે. ફાઇલ મૅનેજરથી તમે આ હાથથી કરી શકો — DCIM/Camera કૉપિ કરો, પછી જ્યાં જ્યાં મીડિયા હોય તે બીજાં ફોલ્ડર — અને એક ફોલ્ડર માટે તે બરાબર છે.
આખી લાઇબ્રેરી માટે, VaultDrive આ કામ જાતે સંભાળી લે છે:
- તે તમારું બધું મીડિયા શોધી કાઢે છે, ફક્ત કૅમેરા ફોલ્ડર નહીં — સ્ક્રીનશૉટ અને બીજી ઍપનાં ફોલ્ડર પણ — અને ડ્રાઇવ પર તમારા ફોન જેવું જ ફોલ્ડર માળખું બનાવે છે.
- ડ્રાઇવ એક જ વાર પસંદ કરો. તમે પસંદ કરેલી ડ્રાઇવની પરવાનગી VaultDrive રાખી મૂકે છે, એટલે પછીનાં બૅકઅપ સીધાં તેમાં જાય છે.
- તે ડ્રાઇવનું ફોર્મેટ તપાસે છે અને શરૂ કરતાં પહેલાં FAT32, NTFS, ફક્ત વાંચી શકાય તેવી (read-only) ડ્રાઇવ અને સપોર્ટેડ ન હોય તેવાં ફોર્મેટ વિશે ચેતવે છે.
- સ્ક્રીન બંધ હોય તોય તે ચાલે છે, અને સૂચનામાં પ્રગતિની સાથે થોભાવવાનો અને રદ કરવાનો વિકલ્પ મળે છે.
- અટક્યા પછી આગળ ચાલુ કરો. VaultDrive કૉપિ થયેલી આઇટમનો હિસાબ રાખે છે, જેથી તમે ડ્રાઇવ ફરી જોડીને આગળ ચાલુ કરી શકો. પૂરી થયેલી ફાઇલો સામાન્ય રીતે રહે છે, પણ અચાનક ડિસ્કનેક્ટ થયા પછી નકલો તપાસો: કૉપિ થતી ફાઇલ અધૂરી હોઈ શકે છે, અને ડેટા લખાતો હોય ત્યારે ડ્રાઇવ કાઢવાથી તેનું ફોલ્ડર માળખું બગડી શકે છે.
- દરેક નકલ મૂળ ફાઇલના કદ સાથે સરખાવીને તપાસાય છે, અને એક ખરાબ ફાઇલને કારણે આખું બૅકઅપ અટકતું નથી.
- Pro સાથે, પછીનાં બૅકઅપમાં ફક્ત નવી ફાઇલો કૉપિ થાય છે. કેટલો સમય લાગે તે તમે કેટલું ઉમેરો છો તેના પર, અને ફોન, કેબલ તથા ડ્રાઇવ પર આધાર રાખે છે.
દરેક બૅકઅપમાં 200 ફાઇલો કે 2 GB સુધી તે મફત છે, અને Pro એક વારની ખરીદી છે. આખી રીત પગલાવાર Androidના ફોટાનું USB ડ્રાઇવમાં બૅકઅપ કેવી રીતે લેવું લેખમાં છે, અને ફોનના પોતાના ફાઇલ મૅનેજરની VaultDrive સાથે સરખામણી ફાઇલ મૅનેજર વિરુદ્ધ VaultDriveમાં છે.
iPhone પણ વાપરો છો? આ માર્ગદર્શિકાનું iPhone વર્ઝન છે: શું iPhoneમાં USB ડ્રાઇવ સીધી જોડી શકાય?
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું મારા Android ફોનમાં USB ડ્રાઇવ જોડી શકું?
હા. છેલ્લા દાયકામાં બનેલા લગભગ બધા Android ફોન USB OTG સપોર્ટ કરે છે, જેનાથી ફોન USB ડ્રાઇવ સીધી વાંચી-લખી શકે છે. USB-C પેન ડ્રાઇવ USB-C ફોનમાં સીધી લાગી જાય છે, અને જૂના USB-A પ્લગવાળી ડ્રાઇવ સસ્તા OTG ઍડપ્ટર દ્વારા જોડાય છે. પછી ડ્રાઇવ તમારા ફાઇલ મૅનેજરમાં દેખાય છે.
USB OTG શું છે?
USB On-The-Go એક સ્ટાન્ડર્ડ છે, જેનાથી ફોન USB કનેક્શનમાં હોસ્ટ બની શકે છે. સામાન્ય રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલો ફોન ઉપકરણની ભૂમિકામાં હોય છે. OTG સાથે ફોન પોતે USB ઍક્સેસરીને પાવર આપી શકે છે અને ચલાવી શકે છે, જેમ કે પેન ડ્રાઇવ, SSD, કાર્ડ રીડર, કીબોર્ડ અને માઉસ.
Android પર USB ડ્રાઇવ વાપરવા ઍડપ્ટર જોઈએ?
પ્લગ મેળ ન ખાતા હોય તો જ. USB-C પેન ડ્રાઇવ કે SSD USB-C પોર્ટવાળા ફોનમાં સીધી જોડાય છે. પૂરા કદના USB-A પ્લગવાળી ડ્રાઇવ માટે USB-C OTG ઍડપ્ટર જોઈએ, અને micro-USB પોર્ટવાળા જૂના ફોન માટે micro-USB OTG ઍડપ્ટર. કેબલ કે ઍડપ્ટર ફક્ત ચાર્જિંગ નહીં, ડેટા પણ લઈ જાય છે તેની ખાતરી કરો.
Android ફોનમાં USB ડ્રાઇવ ક્યાં મળે?
મોટા ભાગના ફોન ડ્રાઇવ જોડાય ત્યારે સૂચના બતાવે છે. ડ્રાઇવ તમારા ફાઇલ મૅનેજરમાં પણ દેખાય છે: Files by Googleમાં Browse (બ્રાઉઝ) હેઠળ, કે Samsung My Filesમાં USB storage (USB સ્ટોરેજ) તરીકે. ઘણા ફોનમાં તે સેટિંગ અને પછી સ્ટોરેજમાં પણ દેખાય છે. ક્યાંય ન દેખાય, તો સામાન્ય રીતે કારણ કેબલ, OTG સેટિંગ, પાવર કે ડ્રાઇવનું ફોર્મેટ હોય છે.
Androidમાંથી USB ડ્રાઇવ સલામત રીતે કેવી રીતે કાઢવી?
ચાલુ કૉપિ પૂરી થવા દો, પછી પ્લગ ખેંચતાં પહેલાં ડ્રાઇવ eject કરો. મોટા ભાગના ફોનમાં ડ્રાઇવ જોડાય ત્યારે દેખાતી સૂચનામાં, કે સેટિંગમાં સ્ટોરેજ હેઠળ Eject (બહાર કાઢો) વિકલ્પ હોય છે. કૉપિ અધવચ્ચે પ્લગ ખેંચવાથી લખાતી ફાઇલ બગડી શકે છે, અને ક્યારેક ડ્રાઇવનું ફોલ્ડર માળખું પણ.
Android માટે USB ડ્રાઇવનું ફોર્મેટ કયું હોવું જોઈએ?
હાલના ઘણા Android ફોન, iPhone, Windows અને macOS માટે exFAT વ્યવહારુ પસંદગી છે, પણ દરેક ઉપકરણ પર સપોર્ટ તપાસો અને ડ્રાઇવ ચકાસી જુઓ. FAT32માં ફાઇલ દીઠ 4 GBની મર્યાદા છે. NTFS સપોર્ટ Android ઉપકરણ પ્રમાણે બદલાય છે, એટલે ડ્રાઇવ દેખાય તેનો અર્થ એ નથી કે તમે તેમાં લખી શકશો. ફોર્મેટ કરતાં પહેલાં હાલની ફાઇલો બીજે કૉપિ કરી લો: ફોર્મેટ કરવાથી ડ્રાઇવ ભૂંસાઈ જાય છે.
ટૂંકમાં
USB OTG વડે તમારો Android ફોન USB ડ્રાઇવને સીધો પાવર આપી શકે છે અને ચલાવી શકે છે. USB-C ડ્રાઇવ વાપરો, કે OTG ઍડપ્ટર સાથે USB-A ડ્રાઇવ — અને કેબલ ડેટા લઈ જાય છે તેની ખાતરી કરો. ડ્રાઇવ તમારા ફાઇલ મૅનેજરમાં દેખાય છે; પ્લગ કાઢતાં પહેલાં તેને eject કરો.
શરૂ કરતાં પહેલાં દરેક ઉપકરણ પર exFATનો સપોર્ટ તપાસો અને ડ્રાઇવ ચકાસી જુઓ. તેમાં FAT32ની ફાઇલ દીઠ 4 GBની મર્યાદા નડતી નથી; NTFS સપોર્ટ અલગ અલગ હોય છે. ફરી ફોર્મેટ કરતાં પહેલાં ડ્રાઇવની હાલની ફાઇલો બીજે કૉપિ કરી લો, કારણ કે ફોર્મેટ કરવાથી તે ભૂંસાઈ જાય છે.
આખી ફોટો લાઇબ્રેરીના બૅકઅપ માટે VaultDrive મીડિયા ફોલ્ડર શોધે છે, ડ્રાઇવનું ફોર્મેટ તપાસે છે, સ્ક્રીન બંધ હોય તોય ચાલે છે અને અધવચ્ચે અટકે તો આગળ ચાલુ કરવા દે છે.